Book of Common Prayer
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
20 એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.
21 સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”
22 તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું. 23 તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો. 24 લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી. 25 સવારે યાકૂબે જોયુ કે, તે લેઆહ સાથે સૂતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “તેં માંરી સાથે છળ કર્યુ છે, હું રાહેલ સાથે લગ્ન કરી શકું તે માંટે મેં તમાંરે ત્યાં કેવો સખત પરિશ્રમ કર્યો છે! તમે મને શા માંટે છેતર્યો?”
26 લાબાને કહ્યું, “અમાંરા દેશમાં મોટી પુત્રી પહેલાં નાની પુત્રીને પરણાવવાનો રિવાજ અમાંરા લોકોમાં નથી. 27 પરંતુ લગ્નોત્સવની વિધિ પૂરા અઠવાડિયા સુધી માંણો, અને હું રાહેલને પણ તારી સાથે પરણાવીશ. પરંતુ એ માંટે તારે બીજા સાત વર્ષ માંરી સેવા કરવી પડશે.”
28 તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી. 29 લાબાને પોતાની દાસી બિલ્હાહ પોતાની પુત્રી રાહેલને દાસી તરીકે આપી. 30 તેથી યાકૂબે રાહેલની સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. અને લેઆહ કરતાં વધારે પ્રેમ રાહેલને આપ્યો. અને યાકૂબે લાબાનને માંટે બીજા સાત વર્ષ સુધી કામ કર્યુ.
યાકૂબનાં સંતાનો
31 યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ.
32 લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”
33 લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ “શિમયોન” રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.”
34 લેઆહ ફરીથી ગર્ભવતી થઈ અને ત્રીજા એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે પુત્રનું નામ લેવી રાખ્યું. લેઆહએ કહ્યું, “હવે તો નક્કી મને માંરા પતિ પ્રેમ કરશે. મેં તેમના ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.”
35 પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં.
આપણા જીવનનું રહસ્ય
14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું. 15 પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે. 16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે.
તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો;
તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું;
દૂતોએ તેને દીઠો;
બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો;
આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા.
તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.
જૂઠા ઉપદેશકો વિષે ચેતવણી
4 પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. 2 જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. 3 એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. 4 દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. 5 દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.
ખ્રિસ્ત ઈસુના એક સારા સેવક બનો
6 આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. 7 દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. 8 શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 9 હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.
23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, “ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!”
24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે! 25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!”
26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”
27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, “આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.”
28 પિતરે ઈસુને કહ્યું, “અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!”
29 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે, 30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે. 31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International