Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 138:1-139:23

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
    અને તમે મારા વિષે બધું જાણો છો.
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
    મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
    હું જે બધું કરું છું તે તમે જાણો છો.
હું બોલું તે અગાઉ તમે જાણો છો,
    કે હું શું કહેવા ઇચ્છુ છું.
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
    અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
    તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
    તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
    જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
જો હું પરોઢિયાની પાંખો પર
    સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
    તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
    તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
    તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
    અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
    અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
    માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
    હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
    ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
    અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
    જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
    તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
    અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
    દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
    અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
    અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
    અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
    તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
    જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
    હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
    મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

ગીતશાસ્ત્ર 147

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

યર્મિયા 23:1-8

23 “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે.

તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, “એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ” એવું યહોવા કહે છે. “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે.

પ્રામાણિક “અંકુર”

યહોવા કહે છે,
“એવો સમય આવી રહ્યો છે
    જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ‘અંકુર’ ઉગાવીશ,
તેને રાજા તરીકે પસંદ કરીશ.
    જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે
અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો
    અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે
અને તેઓ સુરક્ષિત રહેશે લોકો
    તેમને યહોવા અમારું ન્યાયીપણું છે.
    એ નામે બોલાવશે.”

યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ પણ એમ કહેશે કે, ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”

કલોસ્સીઓ 2:8-23

જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે. દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે. 10 અને ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ છો. તમારે બીજા કશાની આવશ્યકતા જ નથી. બધા જ શાસકો અને સત્તાઓના ઈસુ જ શાસક છે.

11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. 12 જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.

13 તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા, તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા. પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી. 14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. 15 આત્મિક શાસકો અને સત્તાઓને દેવે પરાજીત કર્યો. વધસ્તંભ વડે દેવે જય મેળવ્યો અને તે શાસકો અને સત્તાઓને પરાજીત કર્યા. દેવે જગતને બતાવ્યું કે તેઓ સાર્મથ્યહીન હતા.

માનવનિર્મિત નિયમોને ન અનુસરો

16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત,[a] કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો. 17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે. 18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. 19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.

20 તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો: 21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” 22 આ નિમયો એવી દુન્યવી વસ્તુઓ વિષે વાતચીત કરી રહ્યાં છે કે જેનો ઉપયોગ કર્યા પછી જેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આ નિયમો તો ફક્ત લોકોથી મળેલ આજ્ઞા તથા શિક્ષણ છે, દેવથી નહિ. 23 આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.

યોહાન 10:7-17

ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક

તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.

11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.

14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International