Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 121-123

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

ગીતશાસ્ત્ર 131-132

મંદિરે ચઢવા માટેનું ગીત.

હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
    હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
    સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
મેં મારી જાતને શાંત કરી છે.
    મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
    મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.

હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
    અને સદાય ભરોસો રાખ.

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
    હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
    અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
    ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
વળી મારી આંખોને ઊંઘ
    અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
    અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
    ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
    તમારા વિશ્રામસ્થાનમાં આવો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
    અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
    તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
    “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
    તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13 હે યહોવા, તમે સિયોનને
    તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
    હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
    અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
    મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
    “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
    પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

યશાયા 45:14-19

14 યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે:
    “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ
તેમજ સબાના કદાવર માણસો
    તારે શરણે આવશે અને તારા દાસ બનશે.
તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.
    તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે.
અને કહેશે, ‘દેવ તારી સાથે જ છે,
    એના સિવાય બીજો કોઇ દેવ નથી.’”

15 હે ઇસ્રાએલના દેવ, હે તારક, તમે સાચે જ રહસ્યમય
    અને અકળ રીતે કાર્ય કરો છો.
16 મૂર્તિઓની પૂજા કરનારાઓ
    અને બનાવનારાઓ સર્વ નિરાશ
    અને લજ્જિત થશે.
17 પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે.
    સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય,
    તેને કદી શરમાવું નહિ પડે.
18 યહોવા આકાશનો સર્જનહાર છે.
તે દેવ છે.
    તેણે આ પૃથ્વીની રચના કરી છે.
    ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે
એને સૂની રહેવા માટે નહિ,
    પણ વસવા માટે તેણે બનાવી છે.
યહોવા કહે છે, “હું યહોવા છું.
    મારા સિવાય બીજું કોઇ નથી.”
19 હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ
    ખૂણામાંથી ગુપ્ત રીતે બોલ્યો નથી;
હું જાહેરમાં કહું છું:
    “મેં ઇસ્રાએલના લોકોને એમ નહોતું કહ્યું કે,
‘મને શૂન્યમાં શોધજો.’
    હું યહોવા સાચું અને ચોખ્ખેચોખ્ખું બોલું છું.”

કલોસ્સીઓ 1:24-2:7

મંડળી માટે પાઉલનું કાર્ય

24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.

તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું. તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે. ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે.

હું તમને આ બાબતો એટલા માટે જણાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમને એવા ખ્યાલોથી મૂર્ખ ન બનાવે કે જે સારા લાગે ખરાં, પણ હોય ખોટા. હું સદેહે તમારી સાથે નથી, પરંતુ મારું હૃદય તો તમારી સાથે જ છે. તમારું સારું જીવન અને ખ્રિસ્ત પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ જોઈને મને આનંદ થાય છે.

ખ્રિસ્તમય જીવન જીવવાનું ચાલુ રાખો

તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો. તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.

યોહાન 8:12-19

ઈસુ જગતનો પ્રકાશ છે

12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”

13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”

14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”

19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International