Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:49-72

ઝાઇન

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
    તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
    અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
    પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
    અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
    તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
    મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
    અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.

ખેથ

57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
    તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
    અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
    જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
    પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
    તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
    અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
    મને તમારા વિધિઓ શીખવો.

ટેથ

65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
    મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
    હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
    પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
    મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
    પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
    પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
    એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
    મારે માટે વધુ મૂલ્યવાન છે.

ગીતશાસ્ત્ર 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
    હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
    નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
    મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
    અને વીણા પર મારો મર્મ ખોલીશ.
જ્યારે સંકટો આવે છે ત્યારે,
    ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
    તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
    દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
    કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
જેથી તે સદાકાળનું જીવન પામે,
    અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
    અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
    અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
    જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
    અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
    જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
    અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
    શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
    તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
    તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
    તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
    એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
    અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
    અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
    તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
    અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
    તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.

ગીતશાસ્ત્ર 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
    તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
    કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
    ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
    અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
    ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
    મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
    તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

જોકે કશું ડરવા જેવું નહિ હોય
    ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
    તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
    યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
    અને પછી યાકૂબ ખુશ થશે,
    તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

એઝરા 6

દાર્યાવેશનો વટહુકમ

એ પછી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો. ત્યારે માદાય પ્રાંતના “એકબાતાના” કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો:

એમાં આ ટીપ્પણી હતી: રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું.

તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી. ભીંતોમાં મોટા પથ્થરના ત્રણ થર અને નવા લાકડાનો એક થર રાખવો. તમામ ખર્ચ રાજભંડારમાંથી કરવો. તદુપરાંત યરૂશાલેમના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર જે સોના ચાંદીના વાસણો બાબિલ લઇ આવ્યો હતો તે પાછાં સોંપી દેવા, તે બધાં પાછા યરૂશાલેમના દેવના મંદિરમાં લઇ જઇ ત્યાં તેના મૂળસ્થાને ફરી ગોઠવી દેવાં.

ત્યારબાદ દાર્યાવેશે આ મુજબ હુકમ બહાર પાડ્યો:

ફ્રાંતની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબા તાત્તનાય, શથાર-બોઝનાય અને તેમના સાથી અમલદારો જોગ. તેઓએ ત્યાથી દૂર રહેવું. દેવના મંદિરના બાંધકામમાં તમારે વિઘ્નો ન નાખવા, યહૂદાના પ્રશાસક અને યહૂદીયાઓના આગેવાનો દેવનું મંદિર એના અસલ સ્થાને ફરીથી બાંધે.

યહૂદીયાઓના વડીલોને દેવનું મંદિર બાંધવામાં તમારે મદદ કરવી એવું મારું ફરમાન છે: એનો સમગ્ર ખર્યો ફ્રાત પારના પ્રદેશના મહેસૂલમાંથી થતી રાજ્યની આવકમાંથી અચૂક ચૂકવી દેવો. જેથી કામ અટકી પડે નહિ. આકાશના દેવને દહનાર્પણો અર્પવા માટે યરૂશાલેમના યાજકોને જુવાન વાછરડાં, બકરા, ઘેટાં, હલવાનો, તથા ઘઉં, મીઠું, દ્રાક્ષારસ અને તેલ તેઓ જે કઇં માગે તે બધું અચૂક દરરોજ પૂરું પાડવું. 10 જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.

11 વળી એવો હુકમ પણ કર્યો છે કે, જે કોઇ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરનો એક મોભ ખેંચી કાઢવામાં આવશે. અને તેનું ઘર કચરાનો ઢગલો કરી નાખવું.

12 જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના દેવના મંદિરનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ભલે દેવ વિનાશ કરે.

હું દાર્યાવેશ તમને આ હુકમ કરું છું. તેનું સંપૂર્ણ વફાદારીથી પાલન કરવામાં આવે.

મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

13 ત્યારપછી ફ્રાંતની પશ્ચિમના પ્રદેશના સૂબા તાત્તનાયએ, શથાર-બોઝનાયે અને તેમના સાથીઓએ રાજા દર્યાવેશે મોકલેલી આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યુ. 14 યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ. 15 તે મંદિર રાજા દાર્યાવેશના રાજ્યના છઠ્ઠા વર્ષે અદાર મહિનાના ત્રીજે દિવસે પૂર્ણ થયું હતું.

16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.

17 તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી. 18 ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.

પાસ્ખાપર્વ

19 દેશવટેથી પાછા ફરેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું પર્વ ઊજવ્યું. 20 બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો. 21 ઇસ્રાએલી જેઓ દેશવટેથી પાછા આવ્યા હતા તેઓએ પાસ્ખા ખાધું, કેટલાક બીજાઓએ ઇસ્રાએલના દેવ યહોવાને શોધવા પોતાને પ્રજાની અશુદ્ધિઓથી જુદા કર્યા અને ઇસ્રાએલના દેવ યહોવા પાસે આવ્યા. તેઓએ તેમની સાથે ખાધું પણ ખરું. 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.

પ્રકટીકરણ 5:1-10

હલવાનની મહત્તા

પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું[a] જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું. અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?” પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ. પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે. અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:

“તું ઓળિયું લેવાને
    તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે,
કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો.
    અને તેં તારા લોહીથી દેવને માટે
    સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
10 અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે.
    અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”

માથ્થી 13:10-17

ઈસુના ઉપદેશમાં દૃષ્ટાંતનો ઉપયોગ

(માર્ક 4:10-12; લૂ. 8:9-10)

10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”

11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી. 12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે. 13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી. 14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:

‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો,
    પણ કદી સમજશો નહિ.
તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ.
    અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે.
    તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે,
    અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે.
કારણ સત્ય જોવું નથી,
    નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ,
    પોતાના કાનથી સાંભળે,
    અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું
તેઓને સાજા કરું.’ (A)

16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે. 17 હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International