Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 45

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.

મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
    મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
    મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
    તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
    તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
    અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
    પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
    તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
    અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
    માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
    તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
    ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
    શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.

10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
    ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11     તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
    માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
    લઇને તમને મળવા આવશે.

13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
    તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
    તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
    કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
    ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.

16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
    તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
    પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 47-48

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
    આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
    રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
    અને આપણા શાસન નીચે મૂકે છે.
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
    અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
    યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
    પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
    તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
    અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
    નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
    દેવ સવોર્ચ્ચ છે.

ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.

યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
    અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
    આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
    આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
તે નગરના મહેલોમાં
    દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
    અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
    જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
    ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
    અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
    તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
    આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.

હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
    પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
    તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
    અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
    અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
    તેના મહેલોની મુલાકાત લો;
    જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
    જે આપણને સદાય દોરી જશે.

એઝરા 5

પરંતુ તે સમયે પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇસ્રાએલના દેવ યહોવાના નામે જેઓની તેમના પર કૃપા હતી યહૂદા તથા યરૂશાલેમમાં જે યહૂદીયાઓ હતા, તેઓને ભવિષ્યવાણી સંભળાવી. ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં. પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?”

પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.

તાત્તનાય પ્રશાસક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો: પ્રતિ:

દાર્યાવેશ રાજા:

સલામ! ક્ષેમકુશળ હશો.

આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.

અમે ત્યાં આગેવાનોને પૂછયું, “તમને આ મંદિરનું બાંધકામ કરવાની અને તેનું લાકડાનું કામ પુરું કરવા માટે કોણે પરવાનગી આપી છે?” 10 વળી અમે તેમના નામ પણ પૂછયાં, જેથી અમે આપને જણાવવા માટે આગેવાનોના નામની યાદી તૈયાર કરી શકીએ.

11 તેઓએ અમને ઉત્તર આપ્યો કે,

“અમે આકાશ અને પૃથ્વીના દેવના સેવકો છીએ; ઇસ્રાએલના એક મહાન રાજાએ ઘણાં વર્ષો પહેલાં બંધાવેલ મંદિરનો અમે જીણોર્દ્ધાર કરીએ છીએ. 12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.” 13 પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી. 14 ઉપરાંત દેવના મંદિરની સોના ચાંદીની વસ્તુઓ નબૂખાદનેસ્સાર યરૂશાલેમના દેવના મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લઇ ગયો હતો, ને તે બધી વસ્તુઓ કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી પાછી લઇને શેશ્બાસ્સારને સોંપી જેને તેણે પ્રશાસક નિમ્યો હતો.

15 “રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”

16 પછી તે જ શેશ્બાસ્સારે આવીને દેવના એ મંદિરનો પાયો યરૂશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, તે હજી પૂરું થયું નથી.

17 તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.

પ્રકટીકરણ 4

યોહાનને આકાશી દર્શન

પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.” પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો. તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.

રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં. રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે. ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું.

રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી. પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું. આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી,

“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન
જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”

જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે. તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે. અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે. 10 ત્યારે 24 વડીલો[a] જે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:

11 “અમારા પ્રભુ અને દેવ!
તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે.
    કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા,
અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”

માથ્થી 13:1-9

ઈસુ બીજ વાવનારનું દૃષ્ટાંત કહે છે

(માર્ક 4:1-9; લૂ. 8:4-8)

13 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો. ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં. ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,

“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં. કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝાંખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા. તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International