Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 148-150

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
    સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
    સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
    ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
    અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
    પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
    અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
    અને તેમને પાઠ ભણાવે.
તેઓના રાજાઓને અને આગેવાનોને;
    લોખંડની સાંકળોથી બાંધે.
અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
    યહોવા તેમના બધાં સંતોનો આદર છે.

યહોવાની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

ગીતશાસ્ત્ર 114-115

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
    તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
    “તમારા દેવ ક્યાં છે?”
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
    અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
તેઓના દેવો સોના ચાંદીના જ છે;
    તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
    તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
    પણ, તેઓ સૂંઘી શકતા નથી.
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
    તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
    તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
    તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
    તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
    તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
    તે તમારા મદદગાર અને ઢાલ છે.

12 યહોવાએ આપણને સંભાર્યા છે,
    તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
    પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
    નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
    તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
    યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
    પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
    યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
    સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.

યહોવાની સ્તુતિ થાઓ!

યર્મિયા 29:1

બાબિલમાં નિર્વાસિતો પર યર્મિયાનો પત્ર

29 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો.

યર્મિયા 29:4-14

યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો. તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.” હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ, કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે.

10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.

પ્રેરિતોનાં કૃત્યો 16:6-15

આસિયા (એશિયા માઈનોર) માં પાઉલની યાત્રા

પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. પાઉલ અને તિમોથી મૂસિયાની નજીકના પ્રદેશમાં ગયા. તેઓ બિથૂનિયાના પ્રદેશમાં જવા ઈચ્છતા હતા. પરંતુ ઈસુનો આત્મા તેઓને અંદર જવા દેતો ન હતો. તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.

તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!” 10 પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.

લૂદિયાનું બદલાણ

11 અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ. 12 પછી અમે ફિલિપ્પી ગયા. ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે. તે રોમનો માટેનું શહેર છે. અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા.

13 વિશ્રામવારના દિવસે શહેરના દરવાજા બહાર નદીએ ગયા. અમે વિચાર્યુ કે અમને પ્રાર્થના માટે નદી કિનારે જગ્યા મળશે. કેટલીક સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી. તેથી અમે ત્યાં બેઠા અને તેઓની સાથે વાતો કરી. 14 ત્યાં થુવાતિરા શહેરની એક લૂદિયા નામની સ્ત્રી હતી. તેનું કામ જાંબુડિયાં વેચવાનું હતું. તે સાચા દેવની ભક્તિ કરતી હતી, લૂદિયાએ પાઉલને ધ્યાનથી સાંભળ્યો. પ્રભુએ તનું હ્રદય ઉઘાડ્યું. તેણે પાઉલે જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. 15 તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.

લૂક 10:1-12

ઈસુ 72 માણસોને મોકલે છે

10 આ પછી, પ્રભુએ બીજા વધારે 72[a] માણસો પસંદ કર્યા અને જે દરેક શહેર અને જગ્યાએ જવાનું તેણે આયોજન કર્યુ હતું, ત્યાં બબ્બેના સમૂહમાં પોતાના પહેલાં મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “પાક ઘણો સારો છે, પણ પાકના કામમાં મજૂરો બહુ થોડા છે, પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે તેના પાકને ભેગો કરવામાં મદદ માટે વધારે મજૂરોને મોકલે.

“તમે હમણા જઇ શકો છે. પણ ધ્યાનથી સાંભળો! હું તમને મોકલું છું અને તમે વરુંઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા હશો. પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ. કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે. શાંત ઘરમાં જ રહો. લોકો તમને ત્યાં જે કંઈ આપે તે ખાઓ અને પીઓ. કારણ કે મજૂર તેના વેતનને પાત્ર છે. તેથી એક ઘેરથી બીજા ઘેર જશો નહિ.

“જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ. ત્યાં રહેતા માંદા લોકોને સાજા કરો, પછી તેઓને કહો, ‘દેવનું રાજ્ય જલદીથી તમારી પાસે આવે છે!’

10 “પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો; 11 ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગ પર છે તે પણ અને તમારી સામે ખંખેરી નાખીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે દેવનું રાજ્ય જલદી આવે છે.’ 12 હું કહું છું કે ન્યાયના દિવસે તે શહેરના લોકોની હાલત સદોમના લોકો કરતાં વધારે ખરાબ થશે.

લૂક 10:17-20

શેતાનની પડતી

17 જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.”

18 ઈસુએ તે માણસોને કહ્યું, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડતો જોયો. 19 ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી. 20 પણ આનંદ કરો. આત્માઓ તમને તાબે થયા તેથી આનંદી થશો નહિ. એટલે નહિં કે તમારી પાસે સામથ્યૅ છે, તેને બદલે તમારા નામ આકાશમાં લખેલાં છે તેથી આનંદ પામો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International