Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 55

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

ગીતશાસ્ત્ર 138:1-139:23

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
    અને તમે મારા વિષે બધું જાણો છો.
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
    મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
    હું જે બધું કરું છું તે તમે જાણો છો.
હું બોલું તે અગાઉ તમે જાણો છો,
    કે હું શું કહેવા ઇચ્છુ છું.
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
    અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
    તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
    તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
    જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
જો હું પરોઢિયાની પાંખો પર
    સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
    તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
    તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
    તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
    અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
    અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
    માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
    હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
    ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
    અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
    જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
    તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
    અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
    દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
    અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
    અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
    અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
    તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
    જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
    હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
    મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

પુનર્નિયમ 29:2-15

તેણે ઇસ્રાએલ પ્રજાના સર્વ લોકોને બોલાવ્યા અને કહ્યું, “તમાંરી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના અધિકારીઓને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; તમે જોયું કે યહોવાએ ફારુનને તેના તેના અમલદારોને અને સમગ્ર મિસર દેશને શું કર્યુ. યહોવાએ કરેલી ભયંકર મરકીઓ ચમત્કારો તથા અદભૂત પરાક્રમો તમે જોયા. પણ યહોવાએ આજ સુધી તમને એ સમજવાની બુદ્વિ કે એ જોવાની આંખ કે એ સાંભળવાને કાન આપ્યા ન હતાં. ચાળીસ વર્ષ સુધી તેમણે તમને રણમાં ચલાવ્યા, તેમ છતાં ન તો તમાંરાં શરીર પરનાં કપડાં ઘસાઈ ગયાં કે ન તો તમાંરાં પગરખાં ઘસાઈ ગયાં. જોકે તમાંરી પાસે ખોરાક કે દ્રાક્ષારસ અથવા મધ ન હતા છતાં પણ તેમણે તમાંરી જરુરિયાતો પૂરી પાડી જેથી તમને સમજણમાં આવે કે તે યહોવા છે તમાંરા દેવ.

“જયારે આપણે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેમનો પરાજય કર્યો. અને આપણે તેમનો દેશ કબજે કરી લીધો, અને રૂબેન વંશના, ગાદના વંશના તથા મનાશ્શાના અડધા વંશને તેણે વહેંચી આપ્યો. તેથી આ કરારની તમાંમ કલમોનું તમાંરે પાલન કરવાનું છે. જો તમે તેમ કરશો તો તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં સફળ થશો,

10 “આજે તમે બધા વંશોના વડાઓ, આગેવાનો, ઇસ્રાએલના લોકો, તમાંરા ન્યાયાધીશો, તથા વહીવટી અધિકારીઓ-અહીં તમાંરા યહોવા દેવના સાન્નિધ્યમાં ઊભા છો. 11 વળી તમાંરી સાથે તમાંરાં સંતાનો, પત્નીઓ, તમાંરી સાથેના વિદેશીઓ, કઠિયારા તથા પખાલીઓ પણ છે. 12 તમે બધા તમાંરા દેવ યહોવા આજે તમાંરી સાથે જે કરાર કરે છે તે સ્વીકારવાને તથા એના ભંગ બદલ થતી શિક્ષા માંથે ચઢાવવાને તૈયાર થયા છો. 13 તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે. 14 આ કરાર અને તેની શરતો દેવ માંત્ર તમાંરી સાથે, 15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે.

2 કરિંથીઓ 9

સાથીઓની મદદ કરો

હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી. મને ખબર છે કે તમે મદદરૂપ થવા ઈચ્છો છો. મેં આ વિષે મકદોનિયામાં લોકો સાથે ઘણી બડાઈ મારી છે. મેં તેમને કહ્યું હતું કે તમે અખાયાના લોકો ગયા વર્ષથી અનુદાન કરવા તૈયાર છો. અને તમારી આપવાની અભિલાષાએ અહીંના મોટા ભાગના લોકોને પણ આપવા માટે પ્રેરણાં આપી છે. પરંતુ હું ભાઈઓને તમારી પાસે મોકલું છું. આ બાબતમાં અમારા તમારા વિષેના વખાણ નકામા જાય, તેમ હું ઈચ્છતો નથી. મેં જે રીતે કહ્યું તે રીતે તમે તૈયાર હશો તેવી મારી ઈચ્છા છે. જો મકદોનિયાના લોકોમાંથી કેટલીક વ્યક્તિઓ મારી સાથે આવે અને જુએ કે તમે તૈયાર નથી, તો અમારે શરમાવા જેવું થશે. અમને શરમ આવશે કે અમે તમારામાં આટલો બધો ભરોસો રાખ્યો. તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા.

આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે. દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે. અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારાં કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે. પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે:

“તે ઉદારતાથી ગરીબોને આપે છે;
    તેની મમતા અનંત સુધી સતત રહેશે.” (A)

10 દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે. 11 દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.

12 આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે. 13 આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી. 14 અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે. 15 જેનું વર્ણન થઈ શકે તેમ નથી તેના દાન માટે દેવની સ્તુતિ થાઓ.

લૂક 18:15-30

દેવના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે?

(માથ. 19:13-15; માર્ક 10:13-16)

15 કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું. 16 પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે. 17 હું તમને સાચું કહું છું, કે, જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે!”

એક ધનવાનનો ઈસુને પ્રશ્ર

(માથ. 19:16-30; માર્ક 10:17-31)

18 એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?”

19 ઈસુએ તેને કહ્યું કે, “તું મને શા માટે ઉત્તમ કહે છે? ફક્ત દેવ જ ઉત્તમ છે. 20 છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ. તું દેવની આજ્ઞાઓ જાણે છે: ‘તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે કશું ચોરવું જોઈએ નહિ, તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ. તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ.’(A)

21 પણ તેણે કહ્યું કે, “હું નાનો બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું!”

22 જ્યારે ઈસુએ આ સાંભળ્યું. ત્યારે તેણે તે અધિકારીને કહ્યું કે, “હજુ તારે એક વસ્તુ વધારે કરવાની જરૂર છે તારી પાસે જે કંઈ બધું છે તે વેચી દે અને પૈસા ગરીબ લોકોને આપી દે. આકાશમાં તને તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર!” 23 પણ જ્યારે તે માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો દિલગીર થયો. તે માણસ ઘણો ધનવાન હતો અને તેની પાસે પૈસા રાખવા ઈચ્છતો હતો.

24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ દિલગીર થયો છે ત્યારે તેણે કહ્યું, “ધનવાન માણસ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે! 25 ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.”

કોણ તારણ પામશે?

26 જ્યારે લોકોએ આ સાંભળ્યું, તેઓએ કહ્યું, “તો પછી કોનું તારણ થશે?”

27 ઈસુએ ઉત્તર આપ્યો, “માણસો માટે જે કરવું અશક્ય છે તે બાબત દેવ કરી શકે છે!”

28 પિતરે કહ્યું કે, “જુઓ, અમે અમારી પાસે જે બધું હતું તેનો ત્યાગ કરીને તારી પાછળ આયા છીએ!”

29 ઈસુએ કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, દેવના રાજ્ય માટે દરેક વ્યક્તિ જે પોતાના ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતાપિતા અને બાળકોનો ત્યાગ કરશે, તે 30 તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International