Book of Common Prayer
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
લોકો દેવથી ડરી ગયાં
22 “આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
23 “પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી એ અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી, 24 ‘આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે. 25 પરંતુ અમાંરે મોતનું જોખમ ફરી શા માંટે લેવું? આ મહાભયંકર અગ્નિ તો અમને સૌને ભસ્મીભૂત કરી નાખશે. જો અમે ફરી વાર અમાંરા દેવ યહોવાનો અવાજ સાંભળીશું તો અમે જરૂર મૃત્યુ પામીશું. 26 પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય. 27 તમે જ તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’
યહોવાનો મૂસા સાથે વાર્તાલાપ
28 “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું. 29 તે લોકોની વૃત્તિ હંમેશા આવી રહે અને તેઓ માંરાથી ડરતા રહે અને માંરી આજ્ઞાઓનું પાલન કરતા રહે તો કેવું સારું! તે લોકો અને તેમનાં સંતાનો પેઢી દર પેઢી સુખી રહે.
30 “‘જા, તું જઈને તે લોકોને કહે કે, તમે તમાંરા તંબુઓમાં પાછા જાઓ. 31 પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે એ લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’
32 “પછી મૂસાએ લોકોને કહ્યું. “તમાંરા દેવ યહોવાએ તમને જે આજ્ઞાઓ કરી છે તેનું કાળજી રાખીને પાલન કરજો. અને તમે જે માંગેર્ ચાલી રહ્યાં છો તેમાંથી વળતા નહિ. 33 અને જો તમાંરે જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો કબજો તમે પ્રાપ્ત કરવાના છો તેમાં દીર્ધાયુ ભોગવવું હોય તો તમે તમાંરા દેવ યહોવાએ આપેલા માંર્ગ પર જીવન ગુજારજો.
13 શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.”(A) અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ. 14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું. 15 આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.
વિશ્વાસથી જીવવું
16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે. 18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.
5 અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે. 2 પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે. 3 તે અમને વસ્ત્રો પહેરાવશે કે જેથી અમે નગ્ન ન રહીએ. 4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે. 5 આ માટે દેવે અમારું સર્જન કર્યુ છે. અને તે અમને નવજીવન આપશે. તેની ખાતરીરૂપે તેણે અમને આત્માનું પ્રદાન કર્યુ છે.
6 તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી. 8 તેથી અમને ભરોસો છે. અને ખરેખર અમે આ શરીરથી વિચ્છિત થઈને પ્રભુની પાસે વાસો કરવા ઈચ્છીએ છીએ. 9 અમારો ધ્યેય દેવને પ્રસન્ન કરવાનો છે. આપણે શરીરમાં હોઈએ કે દેવની સાથે હોઈએ, અમે તેને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ. 10 આપણે બધાએ ખ્રિસ્તની સામે ન્યાય માટે ઉપસ્થિત થવું જ પડશે. તેને જે મળવું જોઈએ તે દરેક વ્યક્તિને મળશે. જ્યારે તે તેના ભૌતિક શરીરમાં જીવતો હતો ત્યારે તેણે જે કઈ સારું ખરાબ કર્યુ હશે તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે.
ધનવાન માણસ અને લાજરસ
19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો. 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.
22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો. 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો. 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.’
25 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’
27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ. 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’
29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’
30 “પરંતુ ધનવાન માણસે કહ્યું, ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે.
31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું, ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International