Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 5-6

સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
    જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
    હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
    જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.

હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
    તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
    અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
    અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.

પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
    હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
    કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
    મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
    તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
    તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
    તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
    અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
    દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
    તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
    ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.

નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
    હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

ગીતશાસ્ત્ર 10-11

હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
    સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
    તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
    અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
    લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
    દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
    અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
    દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
    સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
    તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
    કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
    માટે તેઓ છુપાઇ જાય છે.
જેમ સિંહ ગુફામાં છુપાઇને
    ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
    તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
    અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
    દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
    સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

12 હે યહોવા, ઊઠો! હે દેવ,
    તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
    અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
    શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
    તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
    તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
    તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
    તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
    દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
    વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
    તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
    અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
    પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
    માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
    તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
    અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
    તો પછી સારા લોકો શું કરી શકે?

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
    યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
    તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
    પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
    અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
    જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

રૂથ 1:19-2:13

19 તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”

20 નાઓમીએ કહ્યું, “મને નાઓમી એટલે મીઠી ન કહેશો, મને એટલે કડવી માંરા કહો કારણ, સર્વસમર્થ દેવે માંરા પર મહાસંકટ આણ્યું છે. 21 હું અહીંથી ભરીભાદરી ગઈ હતી, યહોવાએ મને પાછી ખાલી મોકલી છે. યહોવાએ માંરી અવદશા કરી છે, તો શા માંટે મને નાઓમી કહો છો?”

22 આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી.

બોઆઝ સાથે રૂથ

બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.

એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”

નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”

આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.

તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”

લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”

પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”

તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે. આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”

બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે. એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”

10 આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”

11 બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે. 12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”

13 રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”

1 તિમોથી 1:18-2:8

18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું. 19 તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે. 20 હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં એ લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.

બાહેર ભજનસેવા અને શિસ્ત

હુથી પ્રથમ તો સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું હું તમને કહું છુ. સર્વ લોકો માટે તમે દેવ સાથે વાત કરો. લોકોને જે વસ્તુઓની જરુંર છે તે દેવ પાસે માગો અને તેનો આભાર માનો. રાજાઓ તેમજ સત્તા ભોગવતા બધા લોકો માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. દેવ માટે ભક્તિભાવ અને માનથી છલકાતું તથા પરમ શાંતિ પ્રદ જીવન આપણને પ્રાપ્ત થાય તે માટે એવા અધિકારીઓ સારું પ્રાર્થના કરો. આ સારી વાત છે અને એનાથી આપણા તારનાર દેવ પ્રસન્ન થાય છે.

દેવ ઈચ્છે છે કે દરેક જાણનું તારણ થાય. અને તેની ઈચ્છા છે કે સર્વ લોકો આ સત્ય જાણે. દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે. બધા જ લોકોના પાપ માટે ઈસુએ પોતાની જાતનું સ્વાર્પણ કર્યુ. ઈસુ એ વાતની સાબિતી છે કે દેવ સર્વ લોકોને બચાવી લેવા માગે છે. અને યોગ્ય સમયે જ તે (ઈસુ) આવ્યો. તેથી જ તો સુવાર્તા કહેવા સારું મારી પસંદગી કરવામાં આવી હતી. તેથી જ તો પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો. (હુ તમને સત્ય જ કહુ છું. હુ કઈ જૂઠુ બોલતો નથી.) બિનયહૂદિ લોકોને શીખવનાર થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિશ્વાસ કરી શકે અને સત્યને જાણે એવું હું તેઓને શિક્ષણ આપું છુ.

પુરુષો તથા સ્ત્રીઓ માટે કેટલાએક નિયમો

દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.

લૂક 13:10-17

ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું

10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.

14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”

15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International