Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-4

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીતશાસ્ત્ર 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

રૂથ 1:1-18

યહૂદિયામાં દુકાળ

ન્યાયાધીશોના સમયમાં ઘણા વરસો પહેલા બેથલેહેમ-યહૂદિયામાં દુકાળ પડયો તેથી યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એક માંણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મોઆબ દેશમાં રહેવા ચાલ્યો ગયો. તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં.

તેઓનાં ત્યાંના વસવાટ દરમ્યાન નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો એટલે તે અને તેના બે પુત્રો રહ્યાં. આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં. પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો.

નાઓમી ઘરે પાછી ફરે છે

નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે. નાઓમી જયાં રહેતી હતી તે જગા છોડી ત્યાંથી બંને પુત્રવધૂઓ સાથે વતનમાં પાછી જવા ચાલી નીકળી.

રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે “તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું, તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો. હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.

10 અને બોલી, “પણ અમને તો તમાંરી સાથે તમાંરા લોકોમાં અને દેશમાં આવવું છે.”

11 પણ નાઓમીએ કહ્યું, “માંરી પુત્રીઓ પાછી જાઓ. તમે શું કામ માંરી સાથે આવવા માંગો છો? હવે મને વધુ પુત્રો કયાં થવાના છે, જે મોટા થઈને તમને પરણે? 12 જાઓ, માંરી પુત્રીઓ પાછા જાઓ, હવે હું વૃદ્ધ થઈ છું અને ફરીથી પરણું તો પણ કોઇ પુત્રોને જન્મ દઇ શકુ તેમ નથી. હું આજે પરણુ અને આજ રાત્રે ગર્ભવતી બનું અને પુત્રને જન્મ આપુ તો પણ હું તમાંરે માંટે કોઇ કામની નથી. 13 તો પણ તે મોટો થાય ત્યાં સુધી શું તમે રાહ જોશો? ત્યાં સુધી પરણવાનું રોકી રાખી એકલા રહેશો? ના, ના, માંરી દીકરીઓ એવું ન થાય. યહોવાએ મને એવી શિક્ષા કરી છે, માંરે લીધે તમાંરી આ દશા થઈ છે તે જોઈને માંરું મન દુ:ખી થઈ ગયું છે.”

14 આ બધું સાંભળીને તેઓ બંને ફરીથી મોટા સાદે રડવા લાગી. પછી ઓર્પાહે નાઓમીને ચુંબન કર્યું. અને પોતાને પિયર ચાલી ગઈ, પણ રૂથ ગઇ નહિ તેણે નાઓમીની સાથે જ રહેવાનો આગ્રહ રાખ્યો.

15 એટલે નાઓમીએ તેને કહ્યું, “જો, તારી દેરાણી તેના લોકો અને તેના દેવ પાસે પાછી ગઈ છે. તો તારે પણ તેની સાથે જવું જોઇએ.”

16 પરંતુ રૂથે જવાબ આપ્યો, “મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે. 17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”

ઘરે આવવુ

18 નાઓમીને થયું કે, રૂથે એની સાથે આવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે એટલે તેને કોઈ રીતે સમજાવાય તેમ નથી, એમ માંનીને બોલવાનું બંધ કર્યું.

1 તિમોથી 1:1-17

ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું.

હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે.

દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

ખોટા ઉપદેશ સામે ચેતવણી

મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે. જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે. આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ. કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે. તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.

જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે. 10 જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે. 11 દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ આ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે.

દેવની દયા માટે આભાર

12 આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું આ કામ મને આપ્યું. તેણે જ મને આ સેવા માટે સાર્મથ્ય આપ્યું. 13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ. 14 પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.

15 હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું. 16 પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો. 17 જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.

લૂક 13:1-9

પસ્તાવો કરો

13 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”

નિરુંપયોગી વૃક્ષ

ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’ પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International