Book of Common Prayer
નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
અને મારી અરજી પર ધ્યાન આપો.
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
તેથી તે પર તમે મને લઇ જજો.
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
મને મારા શત્રુઓથી બચાવે છે!
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
2 હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
3 જે વ્યકિત નમી ગયેલી ભીંત
કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
ક્યાં સુધી આક્રમણ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
અને મુખેથી આશીર્વાદ આપે છે,
પરંતુ હૃદયથી શાપ આપે છે.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
કે જેને યહોવા પોતાને રહેવા
માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
યહૂદાના સરદારો, ઝબુલોન,
નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
અને યહોવાનું સ્તવન કરો.
33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.
તેમને ધન્ય હો!
તમારું જીવન દેવને સમર્પિત કરો
12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
ઈસુ સાથેનો લોકસમુહ
8 બીજા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા. 2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં. 3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે કરતી.
ઈસુનું બી વાવનારનું દ્ધષ્ટાંત
(માથ. 13:1-17; માર્ક 4:1-12)
4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું:
5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. 6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. 7 કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. આ બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં જ દાબી દીધાં. 8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”
ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”
9 ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?”
10 ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:
‘તેઓ નજર કરશે,
પણ તેઓ જોશે નહિ;
અને તેઓ ધ્યાનથી સાંભળશે,
પણ તેઓ સમજશે નહિ.’(A)
ઈસુ બી ના દ્ધષ્ટાંતનો અર્થ સમજાવે છે
(માથ. 13:18-23; માર્ક 4:13-20)
11 “દ્ધષ્ટાંતનો અર્થ આ છે: બી એ તો દેવના વચન છે. 12 રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી એ લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી. 13 પેલા ખડક પર પડેલા બી નો અર્થ શું? તે એવા લોકો જેવા છે જે દેવનો ઉપદેશ સાંભળે છે અને આનંદપૂર્વક સ્વીકાર કરે છે પણ આવા લોકોનાં મૂળિયાં ઊંડા હોતાં નથી તેઓ થોડા સમય માટે સ્વીકારે છે પણ જ્યારે પરીક્ષણનો સમય આવે છે, તો વિશ્વાસ ગુમાવે છે અને દેવથી દૂર જતા રહે છે.
14 “કાંટાવાળી ઝાડીમાં પડેલા બી નો અર્થ શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચન સાંભળે છે પણ આ જીવનની ચિંતાઓ, સંપત્તિ અને મોજમઝામાં તેઓનો વિકાસ અટકી જાય છે. અને તેથી તેઓને સારાં ફળ કદાપિ આવતાં નથી. 15 અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International