Book of Common Prayer
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
બાબિલ વિષે ચુકાદો
47 યહોવા કહે છે, “હે અપરાજીત બાબિલ નગરી,
તું નીચે ઉતર અને ધૂળમાં બેસ.
રાજ્યાસન ઉપરથી ઊતરીને ભોંય પર બેસ.
તું કુંવારી કન્યા જેવી વણજીતાયેલી નગરી હતી, પણ હવે તું સુંવાળી કે કોમળ રહી નથી.
2 ઘંટી લઇને તારે લોટ દળવો પડશે;
બુરખો કાઢી નાખી,
ઘાઘરો ઊંચો ખોસી,
પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.
3 તારું શરીર ઉઘાડું થશે
અને તું લજવાશે.
હું તારા ઉપર વૈર લઇશ
અને હું કોઇને પણ છોડીશ નહિ.
4 “‘ઇસ્રાએલના પવિત્ર દેવ,’ જેમનું નામ સૈન્યોના દેવ યહોવા છે,
તે આપણને બંધનાવસ્થામાંથી છોડાવશે.”
5 “હે બાબિલની પ્રજા, અંધારા ખૂણામાં મૂંગી બેસી રહે,
કારણ ‘હવે કોઇ તને રાષ્ટ્રોની મહારાણી કહેનાર નથી.’
6 “કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી
લોકો ઉપર રોષે ભરાયો હતો.
તેં તેમનું અપમાન કર્યુ હતું,
મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા.
પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી,
તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.
7 તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’
તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું
અને એનું પરિણામ શું આવશે
એનો કદી વિચાર ન કર્યો.
8 તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે,
અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર,
તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ;
તું કહે છે, ‘મારાથી વધારે મહાન કોઇ નથી!
મને કદી વૈધવ્ય આવવાનું નથી;
કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.’
9 સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે,
તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ
અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.
10 તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને
તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’
તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ
અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું
અને મારા સિવાય બીજું કોઇ નથી.’
11 “તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે,
તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે,
તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.
12 બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ
તું વાપરતી આવી છે
તેને વળગી રહે,
કદાચ તે કામ આવી શકે
અને તું શત્રુઓને ડરાવી શકે.
13 તને જાતજાતની સલાહો મળશે છતાં
તારું કશું ચાલે તેમ નથી.
તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ,
જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે,
ભલે તને મદદ કરે.
14 જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે.
તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી!
તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે.
તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.
15 બાળપણથી તારી સાથે વહેવાર રાખતા જ્યોતિષીઓ
અને સલાહકારો પોતપોતાના રસ્તે ચાલ્યા જશે,
કોઇ તને બચાવવા કે સહાય કરવા રહેશે નહિં.”
દેવની નજીક આવો
19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ.
એકબીજાને મદદરુંપ બનો
24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો[a] નજીકને નજીક આવી રહ્યો છે.
ખ્રિસ્ત તરફથી મોં ના ફેરવો
26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યો કરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.”(A) દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુ તેના લોકોનો ન્યાય કરશે.”(B) 31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!
2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે. 3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. 4 કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.][a] 5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો. 6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.” 9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.
જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. 10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.’”
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
16 ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું. 17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International