Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 148

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 150

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

ગીતશાસ્ત્ર 91-92

પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
    તે સર્વસમર્થની છાયામાં રહેશે.
હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
    હું તમારો વિશ્વાસ કરું છું.”
કારણકે તે તને સર્વ ફાંદાઓથી
    અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
    તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
    તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
હવે તું રાત્રે બીશ નહિ
    કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
    કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
તારી બાજુએથી હજાર
    અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
    છતાં તને સ્પશીર્ શકશે નહિ.
તે તમે તમારી પોતાની આંખોથી જોશો
    કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
    તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
    તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
    જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
    તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
    તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
    હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
    સંકટમાં હું તેની સાથે રહીશ
    અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
    અને હું મારું તારણ તેને આપીશ.”

વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.

યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
    પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
    કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
    અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
    હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
    તમારા વિચારો બહુ ગહન છે.
ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
    અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
    ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
    પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.

હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
    અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
    મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
    અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.

12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
    અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
    તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
    અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
    તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.

યશાયા 65:13-16

13 આથી યહોવા મારા માલિક કહે છે કે,
“મારા સેવકો ખાવા પામશે
    પણ તમે ભૂખ્યા રહેશો,
મારા સેવકો પીશે
    પણ તમે તરસ્યા રહેશો.
મારા સેવકો ખુશી થશે
    પણ તમે ફજેત થશો.
14 મારા સેવકો આનંદથી ગીતો ગાશે
    પણ તમે ભગ્નહૃદય થઇને રડશો,
અને અંતરના સંતાપને
    લીધે આક્રંદ કરશો.
15 મારા અપનાવેલા સેવકો શાપ આપવામાં તમારા નામનો ઉપયોગ કરશે.
    હું મારા માલિક, યહોવા તમારું મોત નીપજાવીશ.
    પણ હું મારા સેવકોને નવું નામ આપીશ.
16 છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે,
    તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે.
જે કોઇ દેશમાં સમ ખાશે તે,
    વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે.
કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે
    અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”

પ્રકટીકરણ 3:7-13

ફિલાદેલ્ફિયામાંની મંડળીને ઈસુનો પત્ર

“ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને આ લખ કે:

“જે એક પવિત્ર અને સત્ય છે તે તમને આ શબ્દો કહે છે. તેની પાસે દાઉદની ચાવી છે. જયારે તે કઈક ઉઘાડે છે, તે બંધ થઈ શકતું નથી. અને જયારે તે કંઈક બંધ કરે છે તે ઉઘાડી શકાતું નથી.

“તું જે કામો કરે છે તે હું જાણું છુ. મે તારી સમક્ષ બારણું ઉઘાડું મૂકયૂં છે. કોઈ પણ વ્યક્તિ તેને બંધ કરી શકે તેમ નથી. હું જાણું છું કે તું અશકત છે. પરંતુ તુ મારા ઉપદેશને અનુસર્યો છે. તું મારું નામ બોલતાં ડર્યો નથી. ધ્યાનથી સાંભળ! ત્યાં એક સભાસ્થાન છે જે શેતાનની માલિકીનું છે. તે લોકો એમ કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ જૂઠ્ઠા છે. તે લોકો સાચા યહૂદીઓ નથી. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ તારી આગળ આવીને તારા પગે પડશે. તેઓ જાણશે કે તમે એવા લોકો છો જેમને મેં ચાહ્યા છે. 10 તું ધીરજથી મારી આજ્ઞાને અનુસર્યો છે, તેથી આખી પૃથ્વી પર આવનારી વિપત્તિના સમયમાં હું તને બચાવીશ. આ વિપત્તિ જે લોકો પૃથ્વી પર રહે છે તેમનું પરીક્ષણ કરશે.

11 “હું જલ્દી આવી રહ્યો છું, હમણા તું જે રીતે જીવે છે તેને વળગી રહે. પછી કોઈ વ્યક્તિ તારો મુગટ લઈ લેશે નહિ. 12 જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ. 13 પ્રત્યેક વ્યકિત જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.

યોહાન 6:15-27

15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-27; માર્ક 6:45-52)

16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.

લોકો ઈસુને શોધે છે

22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.

ઈસુ, જીવનની રોટલી

25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”

26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International