Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66-67

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીતશાસ્ત્ર 116-117

યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
    અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
    માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
    મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
    અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
    “હે યહોવા મને બચાવો.”
યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
    આપણા દેવ ખરેખર માયાળુ છે.
યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
    હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
હે મારા આત્મા, વિશ્રામ કરો!
    કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
તમે મારા પ્રાણને મૃત્યુથી
    અને મારી આંખોને આંસુથી
    અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
હું જીવલોકમાં જીવતો રહીશ;
    અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.

10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
    ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
    “સર્વ માણસો જૂઠાઁ છે.”

12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
    હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
    હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
    અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
    તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.

15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
    મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
    હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
    તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
    અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
    તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
    મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.

યહોવાની સ્તુતિ થાઓ.

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
    બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
    યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!

યહોવાની સ્તુતિ હો.

1 શમુએલનું 2:1-10

હાન્નાનું વચનપાલન

પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી:

“યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે.
    હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું
અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ.
    દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે.
એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું.
યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી.
    તેમના સિવાય બીજા કોઈ દેવ નથી.
    આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.
અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો.
બડાશ માંરવાનું બંધ કરો
    કારણકે દેવ બધું જાણે છે.
તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.
બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે,
    પણ હવે નિર્બળ બળવાન બન્યા છે.
જે ધનવાન લોકો પાસે પુષ્કળ
    ખોરાક ભૂતકાળમાં હતો
તેઓએ ખોરાક માંટે
    હવે કામ કરવું પડશે.
જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી.
    વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે
અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા
    તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.
યહોવા જ માંરે છે,
    અને તે જ જીવન આપે છે.
યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે
    અને પાછા લાવે છે.
યહોવા જ રંક બનાવે છે,
    ને તવંગર પણ એજ બનાવે છે.
યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે,
    અને બીજાને માંનવંતા બનવા દે છે.
યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે
    અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે.
યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે
    અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે.
આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી,
    યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.[a]
યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે,
    પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે
અને તેઓ નાશ પામશે.
    તેમની શકિત તેમને વિજય
મેળવવામાં મદદ નહિ કરે.
10 યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે.
    પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે.
યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે.
    તે પોતાના રાજાને બળ આપશે
    અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.”

તિતસ 2:1-10

શુદ્ધ ઉપદેશનું પાલન

શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ. વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.

વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ. એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ. જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે. જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન. અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ; 10 તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.

લૂક 1:26-38

કુંવારી મરિયમ

26-27 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો. 28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તને આશીર્વાદ આપવા ઈચ્છે છે.”

29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”

30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. 31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે. 32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”

34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”

35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે. 36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે! 37 દેવ માટે કશું જ અશક્ય નથી!”

38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International