Añadir traducción en paralelo Imprimir Opciones de la página

જૂના કરાર પ્રમાણે આરાધના

જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી. મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો. તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી[a] ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી. અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા. પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.

આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો. આ બાબત પરથી આજના માટે આપણે દાખલો લઈ શકીએ, જે મુજબનાં બલિદાનો અને અર્પણો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ શુદ્ધ કરવા માટે દાવો કરતાં ન હતાં અને પૂર્ણ પણ બનાવી શકતા નહોતાં. 10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.

નવા કરાર મુજબ ઉપાસના

11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.

13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા. 14 ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.

15 તેથી દેવ પાસેથી ઈસુ નવો કરાર[b] લોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરાર[c] પ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.

16 જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ? 17 વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી જ વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી જ તેનો અમલ થઈ શકે). 18 પહેલા કરાર માટે દેવ અને લોકો વચ્ચે આવું જ કઈક છે. તેનાં રક્ત દ્ધારા પહેલાં કરારની પ્રતિષ્ઢા થાય એ જરુંરી હતું. 19 લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું. 20 પછી મૂસાએ કહ્યું, “આ લોહી એવા કરારનું છે જેને અનુસરવા દેવે તમને આદેશ આપ્યો છે.” 21 એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું. 22 નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

ઈસુ ખ્રિસ્તનું બલિદાન પાપ નિવારણ માટે

23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.

25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.

27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.

Notas al pie

  1. 9:4 માન્ના દેવે યહૂદિ લોકોને રણમાં ખાવા આપેલ ખોરાક.
  2. 9:15 નવો કરાર આ “વધુ સારો કરાર” જે દેવે તેના લોકોને ઇસુ દ્ધારા આપ્યો છે.
  3. 9:15 પ્રથમ કરાર જ્યારે તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર આપ્યું ત્યારે દેવે યહૂદિ લોકોને કરાર આપ્યો.