Añadir traducción en paralelo Imprimir Opciones de la página

આમોસના પુત્ર યશાયાએ યહૂદામાં ઉઝિઝયા, યોથામ, આહાઝ અને હિઝિક્યા રાજાઓના અમલ દરમ્યાન સંદર્શનો જોયાં. તે સંદર્શનોમાંથી તેને સંદેશા મળ્યા. આ સંદેશાઓમાં યહોવાએ યરૂશાલેમ અને યહૂદામાં આવનાર દિવસોમાં શું બનવાનું હતું તે તેને બતાવ્યું.

બંડખોર પ્રજાને યહોવાનો સંદેશ

હે આકાશ અને પૃથ્વી! સાંભળો, કારણ, યહોવા બોલે છે:

“જે બાળકોને મેં ઉછેરીને મોટાં કર્યા છે,
    તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે.
બળદ જેમ પોતાના ધણીને ઓળખે છે
    અને ગધેડો પોતાના ધણીની ગભાણને ઓળખે છે;
પણ ઇસ્રાએલને ડહાપણ
    અને સમજણ નથી.”

ઓહ! પાપી પ્રજા, હે અપરાધોથી લદાયેલા લોકો, હે કુકમીર્ઓ, હે વંઠી ગયેલાઁ છોકરાં! તમે યહોવાનો ત્યાગ કર્યો છે. તમે ઇસ્રાએલના પવિત્ર દેવને તિરસ્કાર્યા છે. અને તેમનાથી તમે અજાણ્યાની જેમ વિમુખ થઇ ગયા છો.

દેવ કહે છે, “હે મારા લોકો, શું હજુ તમારે વધારે માર ખાવો છે? તે આમ બળવા ઉપર બળવો કર્યા કરો છો? તમારું માથું રોગિષ્ઠ છે અને તમારાં હૃદય અને મન અશુદ્ધ છે. પગના તળિયાથી માંડીને તે માથા સુધી કોઇ અંગ સાજુ નથી; ફકત ઘા, ઉઝરડા અને દૂઝતા ઘા છે; નથી તમે તમારા ઘા સાફ કર્યા કે નથી પાટા બાંધ્યા, નથી તેના પર તેલ ચોપડવામાં આવ્યું.

“તમારો દેશ ઉજ્જડ થઇ ગયો છે, તમારાં નગરો આગમાં ભસ્મ થઇ ગયાં છે; તમારી નજર આગળ પરદેશીઓ તમને લૂંટે છે, અને તેઓની નજરે જે પડે છે તેનો નાશ કરે છે.

“સિયોન નગર બધી વસ્તુઓથી વંચિત થઇ ગયું છે જેમકે દ્રાક્ષની વાડીઓમાં આશ્રય અથવા કાકડીના ખેતર તે ઘેરાબંધ શહેર જેવું છે. જો સૈન્યોના દેવ યહોવાએ આપણામાંના થોડાકને બાકી રહેવા ન દીધા હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા નામશેષ થઇ ગયા હોત.”

10 હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો. 11 યહોવા કહે છે, તમારા અસંખ્ય યજ્ઞો મારી આગળ તમે કર્યા છે છતાં તે મારે કોઇ કામના નથી. તમારા પુષ્ટ ઘેટાંની મારે જરૂર નથી. તમારાં અર્પણો, ગોધા, હલવાન તથા બકરાનું લોહી મને ભાવતું નથી. 12 તમને મારા માટે અર્પણો લાવવા કોણે કહ્યું હતું? મારા મંદિરના આંગણાને હવે જરાપણ કચડો નહિ.

13 “તમારા નકામા ખાદ્યાર્પણો લાવશો નહિ, ધૂપ તો મને તિરસ્કારરૂપ લાગે છે; ચંદ્રદર્શન, સાબ્બાથ દિવસો અને ધર્મમેળો એમાં કેવળ પાપીઓ જ ભેગા થાય છે. 14 તમારાઁ ચદ્રદર્શનને અને તમારા પર્વોને હું ધિક્કારું છું. હું તે સહન કરી શકતો નથી.

15 “પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.

16 “સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો. 17 ન્યાયને માર્ગે ચાલો, જેમના પર ત્રાસ થાય છે તેમને બચાવો, અનાથનું રક્ષણ કરો, વિધવાઓ અને ગરીબોને મદદ કરો, તેમના પ્રત્યે માયાળુ બનો.”

18 યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.

19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો. 20 પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.”

આ યહોવાના મુખનાં વચનો છે.

યરૂશાલેમ દેવ પ્રત્યે વિશ્વાસ યોગ્ય નથી

21 જે નગર દેવને વફાદાર હતું અને સંપૂર્ણ ન્યાયથી વર્તતુ હતું. તે આજે કેવું ષ્ટ બની ગયું છે! ત્યાં ધર્મનિષ્ઠાનો વાસ હતો, પણ આજે તો ત્યાં ખૂનીઓ વસે છે.

22 હે યરૂશાલેમ, તું ચાંદીની હતી તે કલાઇની થઇ ગઇ છે; તું શુદ્ધ રહી નથી, તમારા દ્રાક્ષારસમાં પાણી મિશ્રિત કરવામાં આવ્યું છે, અગાઉ તમે શુદ્ધ ચાંદી અને શુદ્ધ દ્રાક્ષારસ જેવા હતા. 23 તારા રાજકર્તાઓ જ બળવાખોર અને ચોરોના સાથીઓ થઇ ગયા છે. તેઓ લાંચના લાલચુ છે, ને નજરાણાં માટે વલખાઁ મારે છે. તેઓ અનાથનું રક્ષણ કરતાં નથી, અને વિધવાઓની દાદ તેઓ સાંભળતા નથી.

24 તેથી, સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના સૈન્યોનો દેવ, કહે છે! “તમે મારા શત્રુ બન્યા છો. તમારા ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ. 25 હું પોતે તમારા પર હાથ ઉગામીશ, તમને અગ્નિની ભઠ્ઠીમાં ગાળીશ અને શુદ્ધ કરીશ. 26 આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ‘ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.’”

27 જેઓ ન્યાયી અને ભલા છે તેઓ યહોવા તરફ પાછા ફરશે, સિયોનને અને તેના પશ્ચાતાપ કરનારા વતનીઓનો ઉદ્ધાર થશે. 28 પણ ગુનેગારો અને પાપીઓનો એક સાથે નાશ કરવામાં આવશે. અને જેઓ યહોવાનો ત્યાગ કરશે તેઓ હતા ન હતા થઇ જશે.

29 તમે એલોન વૃક્ષોની પૂજા કરતા હતા; ને ઉપવનોને ઉપાસના સ્થાન માની બેઠા હતા તેથી તમારે શરમાવું પડશે, 30 તમારી દશા પાણી વગરના બગીચા જેવી અને કરમાએલાં પાંદડાવાળાં વૃક્ષો જેવી થશે. 31 તૃણ જેમ તણખાથી બળી જાય તેમ બળવાન માણસો પણ પોતાના દુષ્કૃત્યોથી બળી જશે. અને કોઇ હોલાવવા નહિ આવે.