Add parallel Print Page Options

નિનવેહનું નિશ્ચિત પતન

ઓ નિનવેહ!
તને વિખેરી નાખવા એક શત્રુ આવ્યો છે!
    કિલ્લાની રક્ષા કર.
    રસ્તા પર ચોકી કર,
યુદ્ધ માટે તૈયાર થઇ જા.
    તારી બધી શકિતને ભેગી કર.
લૂંટારાઓએ તેઓને લૂંટી લીધા છે
    અને તેઓના દ્રાક્ષના વેલાનો નાશ કર્યો છે,
પરંતુ યહોવા યાકૂબનું માન ઇસ્રાએલના
    સન્માનની જેમ પુન:સ્થાપિત કરશે.

તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે.
    અતિ શકિતશાળી માણસો લાલ રંગના પોષાકમાં છે.
ચમકારા મારતા તેના રથો
    યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે.
    તેમના વૃક્ષો હલાવાઇ રહ્યાં છે.
રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે.
    તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે
સળગતી મશાલની જેમ દોડે છે
    અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.

ચુનંદા યોદ્ધાઓને તેડાવવામાં આવ્યા છે;
    તેઓ ઠોકર ખાતા દોડતા આવે છે,
તેઓ કોટ તરફ આગળ વધી રહ્યાં છે
    અને હુમલો કરવાના શસ્ત્રો ગોઠવી દે છે.
નદી તરફના દરવાજાઓ ખૂલી ગયા છે!
    મહેલ તૂટી ગયો છે!
નિનવેહની રાણીને નિર્વસ્ત્રી કરી બંદીવાન બનાવી લઇ જવામાં આવે છે.
    દાસીઓ છાતી કૂટે છે,
    ને કબૂતરની જેમ શોક કરે છે.

નિનવેહના લોકો પાળ તૂટેલા તળાવમાંથી
    પાણી વહી જાય તેમ ભાગે છે.
“થોભો, થોભો” ના પોકાર સંભળાય છે,
    પણ કોઇ પાછું ફરતું નથી.

તમે ચાંદી લૂંટો!
    સોનુ લૂંટો!
કિમતી ઝવેરાત ખજાનાનો કોઇ પાર નથી.
    અઢળક ધનસંપત્તિ લઇ જવામાં આવી રહી છે.
10 નિનવેહ નગર ઉજ્જડ
    અને ખાલી થઇ ગયું છે.
હૃદયના ધબકારા ધીમા પડી જાય છે,
    પગ ધ્રુજે છે,
દરેક જણના શરીર યાતના ભોગવે છે
    અને દરેકના મોં ધોળાં
    પૂણી જેવા થઇ જાય છે.

11 ક્યાં છે એ શહેર, જે સિંહની ગુફા જેવું હતું?
    જ્યાં સિંહના બચ્ચાં પોષાતાં હતાં,
જ્યાં સિંહ-સિંહણ અને સિંહના બચ્ચાં નિરાંતે ફરતાં હતાં.
    તેઓને વ્યાકુળ કરે તેવું ત્યાં કાંઇજ ન હતું.
12 જેમ સિંહ તેના બચ્ચાં
    માટે પૂરતો શિકાર કરે છે
તેવી રીતે તેણે બોડ
    અને ગુફા શિકારથી ભરી દીધા.

13 પરંતુ હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે;
    “હું તારી વિરૂદ્ધ છું.
હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ,
    અને તરવાર તારા બચ્ચાઓનો સંહાર કરશે.
    હું પૃથ્વી પરથી તમને શિકાર કરવા
માટે મળતા પશુઓ લઇ લઇશ;
    સંદેશાંવાહકનો સાદ ફરી કદી સંભળાશે નહિ.”