Add parallel Print Page Options

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
    હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
    અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
    ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
વળી મારી આંખોને ઊંઘ
    અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
    અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
    ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
    તમારા વિશ્રામસ્થાનમાં આવો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
    અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
    તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
    “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
    તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13 હે યહોવા, તમે સિયોનને
    તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
    હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
    અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
    મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
    “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
    પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.