માથ્થી 26:17-30
Gujarati: પવિત્ર બાઈબલ
ઈસુનું પાસ્ખાપર્વનું ભોજન
(માર્ક 14:12-21; લૂ. 22:7-14, 21-23; યોહ. 13:21-30)
17 બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?”
18 ઈસુએ કહ્યું, “શહેરમાં જાવ, હું જે માણસને જાણું છું, એવા માણસ પાસે જાવ. ઉપદેશક કહે છે તે તેને કહો, ‘પસંદ કરાયેલો નિયત સમય નજીક છે. હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ.’” 19 શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ. તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ.
20 સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો. 21 તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.”
22 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યોએ ઈસુને કહ્યું, “પ્રભુ ખરેખર હું તે એક નથી!”
23 ઈસુએ કહ્યું, “જે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે. 24 પણ તે વ્યક્તિને અફસોસ છે જેની મારફતે માણસના દીકરાને મારી નાખવા સુપ્રત કરાયો છે. શાસ્ત્રનું લખાણ કહે છે કે આ બનશે. પરંતુ જે માણસના દીકરાને મારી નાખવા માટે સોંપે છે, તે વ્યક્તિનું ઘણું ખરાબ થશે. જો તે માણસ જન્મ્યો ના હોત તો તેને માટે સારું હોત.”
25 પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.)
ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.”
પ્રભુનું ભોજન
(માર્ક 14:22-26; લૂ. 22:15-20; 1 કરિં. 11:23-25)
26 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
27 પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ. 28 આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે. 29 હું તમને આ કહું છું કે: જયાં સુધી આપણે મારા પિતાના રાજ્યમાં ભેગા મળીશું નહિ ત્યાં સુધી હું ફરીથી આ દ્રાક્ષારસ પીશ નહિ. તે દ્રાક્ષારસ નવો હશે. ત્યારે હું તમારી સાથે ફરીથી પીશ.”
30 બધા શિષ્યોએ ગીત ગાયું. પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા.
Read full chapterGujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International