હિબ્રૂઓ 4:1-11
Gujarati: પવિત્ર બાઈબલ
4 દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. 2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. 3 અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે,
“મેં મારા ક્રોધમાં સમ ખાધા કે:
‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’” (A)
દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. 4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા(B) દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” 5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
6 તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. 7 પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો:
“આજે જો તમે દેવની વાણી સાંભળો,
તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” (C)
8 આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. 9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.
Read full chapterGujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International