Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
17 યહોવાએ મૂસાને કહ્યું, 18 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, હું તમને જે દેશમાં લઈ જવાનો છું ત્યાં ગયા પછી 19 તમે એ ભૂમિનું અનાજ ખાઓ ત્યારે તમાંરે યહોવાને ધરાવવા થોડો ભાગ અલગ રાખવો. 20 પહેલી કાપણીના દાણામાંથી બાંધેલા લોટને તમાંરે એક તરફ રાખવો તે પ્રથમ બાંધેલા લોટને ભેટ તરીકે યહોવાને આપો. તે ખળામાંથી આવતા ખાદ્યાર્પણ જેવું ગણાશે. 21 તમે બાંધેલી પ્રથમ કણકનો અમુક ભાગ તમાંરે યહોવાને માંટે અલગ રાખવો, આ ઉચ્છાલીયાર્પણ તમાંરે લાવવાનું છે.
22 “આ નિયમ તમાંરા વંશજોને પણ લાગુ પડે છે. 23 યહોવાએ મૂસા માંરફતે તમને આપેલી આ આજ્ઞાઓમાંથી કોઈનો તમાંરામાંથી આજે કે ભવિષ્યમાં ભૂલથી ભંગ થઈ જાય તો તમાંરે આ પ્રમાંણે કરવું. 24 અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
25 “યાજકે સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિતની વિધિ કરવી, તેથી તેમને પણ માંફ કરવામાં આવશે. કારણ, એ શરતચૂક હતી અને એ શરતચૂક માંટે તેઓએ યહોવાને આહુતિ પણ ચઢાવ્યાં છે. 26 તેથી સમગ્ર ઇસ્રાએલી સમાંજને અને તેમની ભેગા વસતા વિદેશીઓને માંફ કરવામાં આવશે, કારણ કે શરતયૂકથી એ સૌની થયેલી ભૂલ હતી.
અગ્રીપા સમક્ષ પાઉલ
26 અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું હવે તારા બચાવમાં કહી શકે છે.” પછી પાઉલે તેનો હાથ ઊચો કર્યો અને બોલવાનું શરું કર્યુ. 2 તેણે કહ્યું, “હે રાજા અગ્રીપા, મારા વિરૂદ્ધ યહૂદિઓએ જે બધા આરોપો મૂક્યા છે તે બધાનો હું જવાબ આપીશ. હું માનું છું કે હું ભાગ્યશાળી છું કે આજે હું તમારી સમક્ષ અહી ઊભો રહીને આ કરીશ. 3 મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.
4 “બધાજ યહૂદિઓ મારા આખા જીવન વિષે જાણે છે. શરુંઆતથી મારા પોતાના દેશમાં અને પાછળથી યરૂશાલેમમાં હું જે રીતે જીવતો હતો તે તેઓ જાણે છે. 5 આ યહૂદિઓ મને લાંબા સમયથી જાણે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમને કહી શકશે કે, હું એક સારો ફરોશી હતો. અને ફરોશીઓ અમારા ધર્મના નિયમોનું પાલન, યહૂદિ લોકોના બીજા સમૂહો કરતાં વધારે કાળજીપૂર્વક કરે છે. 6 હમણાં હું ન્યાય માટે ઊભો છું. કારણ કે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેમા મને આશા છે. 7 આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે. મારા રાજા, યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું. 8 શા માટે તમે લોકો વિચારો છો કે મૃત્યુ પામેલા લોકોને દેવ ઉઠાડે છે તે અસંભવિત છે?
9 “જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ. 10 અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી. 11 પ્રત્યેક સભાસ્થાનમાં મેં તેઓને શિક્ષા કરી. મેં તેઓની પાસે ઈસુની વિરૂદ્ધમાં ખરાબ કહેવડાવવા પ્રયત્ન કર્યો. હું આ લોકોની વિરૂદ્ધ એટલો બધો ગુસ્સે થયો હતો કે મેં બીજા શહેરોમાં જઈને તેઓને શોધીને તેઓને ઇજા પહોંચાડી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International