Add parallel Print Page Options

પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન

તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.

ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.

આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.

12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે “પાપ” તમારો “માલિક” થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.

ન્યાયીપણાના દાસ

15 તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના! 16 સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે. 17 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા. 18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. 19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.

20 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા. 21 તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે. 22 પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે. 23 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.